૩૮ પકડદાવનાં પાપ ફેડી શકે છે / ચિનુ મોદી


પકડદાવનાં પાપ ફેડી શકે છે
આ ગંગા છે, શિર પરંતુ રેડી શકે છે.

અકિંચન નયનનાં આ મોતી સ્વીકારો
ઘણાંનાં એ દારિદ્રય ફેડી શકે છે.

નદીનાં સ્વરૂપે મળી સર્વે ઇચ્છા
પલળી શકે છે, ઊખેડી શકે છે.

નથી શબ્દથી કોઈ નાગું વધારે
તમાશો કરી લોક તેડી શકે છે.

તણખલે ‘ચિનુ’ શાંત પગરવ મૂકીને
તને શક્ય છે , તું ખસેડી શકે છે.