52 - ઝગમગ દીવલડા / સુંદરમ્
આ પ્રગટ્યા દીપક આજ
કે ઝગમગ દીવલડા,
આ ઝણક્યા તેજલ તાર
કે તગમગ તારલિયા.

આ રાતલડી રળિયાત,
કે ઝગમગ દીવલડા,
આ તારલિયાળી ભાત,
કે તગમગ તારલિયા.

આ રણઝણ વાયુ વાય,
કે ઝગમગ દીવલડા,
આ ડોલે તરુવર છાય,
કે તગમગ તારલિયા.

આ ખીલે પોયણ પાન,
કે ઝગમગ દીવલડા,
આ જાગે મન મસ્તાન,
કે તગમગ તારલિયા.

આ દેવ તણા દરબાર,
કે ઝગમગ દીવલડા,
તાર લખ લખ ત્યાં શણગાર,
કે તગમગ તારલિયા.0 comments


Leave comment