53 - દીવલડો ગાય / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
કે દીવલડો ઝગમગ થાય,
જાણે ઝીણું તેજનું પંખી ગાય. દીવલડો...
અંધારી રાતના તારલિયા પડદા,
વાયુ વીંઝણલા વાય,
આછેરાં સોણલાં આવતાં ને જાતાં,
વાતલડી કોક કહી જાય.
કે દીવલડો ઝગમગ થાય.

સૂના સરવરિયાનાં પોઢ્યાં છે નીર ઘેરાં,
પોઢ્યાં છે હંસલા ને મોર,
એકલ ઘેલૂડી મારી જાગે આંખલડી,
જાગે મુજ ચિત્તનું ચકોર.
કે દીવલડો ઝગમગ થાય.

ટમક ટમક મારા દીવડા સોનલિયા,
તું અંધારાંનો આધાર;
સૂરજ ચંદર મારા પોઢી ગયા છે, તારા
જાગંતા જીવન અંબાર,
કે દીવલડો ઝગમગ થાય.0 comments


Leave comment