57 - રંગ કેસરિયા / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’ફૂલ ભરી લો ઝોળી,
ભૈયા, રંગ ભરી લો ઝોળી.

કોકિલ કૂજે, ભ્રમર ગુંજે,
આંબે ઝૂલતી કેરી,
નીમ તરુનાં ફૂલ મહેકે,
ફોરમ વેરી વેરી,
હે રી, ફૂલ ભરી લો ઝોળી,
ભૈયા, રંગ ભરી લો ઝોળી.


(વૃંદગાન)

રંગ પૂરો જી, રાગ પૂરો જી,
ફૂલની ફોરમ વેરો,
વસંત કેરો સાદ સુણાયે,
કેસર રંગ્યો ઘેરો.
હે સિંહ સૂતેલા જાગો જાગો,
શૂર સૂતેલા જાગો.

પ્રભાતકાળે, સંધ્યાકાળે,
સૃષ્ટિ ફૂલે ફાલે,
નૈર્ઋત કેરા મંદ સમીરણ
આવે આછા તાલે,
હે રી, ફૂલ ભરી લો ઝોળી,
ભૈયા, રંગ ભરી લો ઝોળી.


(વૃંદગાન)

રંગ પૂરો જી, રાગ પૂરો જી,
ફૂલની ફોરમ વેરો,
વસંત કેરો સાદ સુણાયે,
કેસર રંગ્યો ઘેરો.
હે સિંહ સૂતેલા જાગો જાગો,
શૂર સૂતેલા જાગો.
આજે હોળી અંતર ઘોળી,
જીવન આખું જાય ઢંઢોળી,
ઘોડાપૂરમાં મેલજો છોડી,
પોતપોતાની હોડી,
હે રી, ફૂલ ભરી લો ઝોળી,
ભૈયા, રંગ ભરી લો ઝોળી.

(વૃંદગાન)

રંગ પૂરો જી, રાગ પૂરો જી,
ફૂલની ફોરમ વેરો,
વસંત કેરો સાદ સુણાયે,
કેસર રંગ્યો ઘેરો.
હે સિંહ સૂતેલા જાગો જાગો,
શૂર સૂતેલા જાગો.0 comments


Leave comment