58 - ચલ ભૈયા / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
ચલ જલઘાટે, ચલ ભૈયા !
જો ઝૂલે સાગર નૈયા. ચલ જલઘાટે...

આ ઊજળાં આભ ખૂલ્યાં છે,
આ ધરણી પાટ ઢળ્યા છે,
આ મસ્ત સમીરણ ચડી ચડીને
પુકારતા રઘવૈયા. ચલ જલઘાટે...

ઓ દૂર દૂર ખુશ દિશા હસે છે,
ઓ શિખર શિખર કો ધજા લસે છે,
આ મત્ત સવારે શહનાઈ ઘૂંટે છે
ગેબ છૂપેલ ગવૈયા. ચલ જલઘાટે...

ઓ સાગર જલ પુરપાટ બઢીશું,
ઓ ગગનઘાટ વસવાટ કરીશું,
આ પરમ પ્રભા શી હસી રહી છે,
ચાતક હે ચિતવૈયા ! ચલ જલઘાટે...0 comments


Leave comment