61 - વન્દન / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
વન્દન લે તું અમારાં,
પ્રભુજી, તવ દરશન પ્યારાં.

ફૂલડે ફૂલડે હસવાં તારાં,
કોકિલકંઠે ગીત રસાળાં,
કલકલતાં ઝરણાંમાં તારાં
નૂપુર ઝણકંતાં. પ્રભુજી...

અભ્રઘટામાં પોઢણ તારાં,
ગિરિશિખરે સિંહાસન ન્યારાં,
સાગર છોલે નાવણ તારાં,
નિત નિત છલકંતાં. પ્રભુજી...

આંગણ આંગણ પગલાં તારાં,
ઘર ઘર તવ જીવનની ધારા,
અંતર અંતર કરુણાનાં તવ
અમરત ઊભરંતાં. પ્રભુજી...


0 comments


Leave comment