62 - જ્યોત જગાવો / ત્રિભુવનદાસ પુ. લુહાર ‘સુન્દરમ્’
જીવનજ્યોત જગાવો !
પ્રભુ હે, જીવનજ્યોત જગાવો !
ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,
આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો.
અમને રડવડતાં શિખવાડો. પ્રભુ હે...

વણ દીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો,
વણ જહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો.
અમને ઝળહળતાં શિખવાડો. પ્રભુ હે...

ઊગતાં અમ મનનાં કુસુમોને રસથી સભર બનાવો,
જીવનના રંગો પ્રગટાવા પીંછી તમારી ચલાવો.
અમને મઘમઘતાં શિખવાડો. પ્રભુ હે...

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો.
અમને ગરજતાં શિખવાડો. પ્રભુ હે...

અમ જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો,
સ્નેહ શક્તિ બલિદાન નીરની ભરચક ધાર ઝરાવો.
અમને સ્થળ સ્થળમાં વરસાવો, પ્રભુ હે....0 comments


Leave comment