૫૪ શ્વાસની ચાલે નહીં બાંહેધરી / ચિનુ મોદી


શ્વાસની ચાલે નહીં બાંહેધરી
લાગણી પીધી, અમે જાણી કરી.

મોત માટે બારી ખૂલ્લી રાખવા
નીકળું છું વ્હાણમાં પાણી ભરી.

તેં કરેલી વાત સાચી હોય તો
આરસી જુઠ્ઠી અને ખોટ્ટી ઠરી.

આંસુઓના શિલ્પ ઓગળતાં નથી
દોસ્ત, તારી કેવી છે કારીગરી ?

આ સ્મરણનો દેશ હોં કે ‘ચિનુ’
શબ ગણેલા લોક પણ મારે છરી.0 comments