55 - પહેલો વરસાદ / દિલીપ જોશી


વૈશાખી ધૂળ ઝીલી ચકલીએ માણ્યો રે
આપણાથી પહેલો વરસાદ.....
આગમની એંધાણી દઈને વખાણ્યો રે
આપણાથી પહેલો વરસાદ.......

વાયુની ફાટફાટ ગાંસડી બાંધીને કોઈ
પરદેશી ઘોડો પલાણતું
ઝરમરવું શું છે આ કાળઝાળ ઘટનામાં
લથબથ ટોળું ય વાત જાણતું
કોઈએ તો પોતીકે પરસેવે તાણ્યો રે
આપણાથી પહેલો વરસાદ.....

ભીનેરા દિવસોમાં આંખ હશે સુક્કી તો
જીવ્યાનો કેફ ચડે કેટલો ?
નભ નિરાકાર ઝીલી, ઝીલો રે વરણાગી
પહલો વરસાદ પડે કેટલો ?
રસ્તાઓ, બારીઓ, ભીંતોએ જાણ્યો રે
આપણાથી પહેલો વરસાદ......


0 comments


Leave comment