63 - સ્પર્શ / દિલીપ જોશી


ફોરમને જ્યાં સ્હેજ કે –
- આખું જંગલ આખા ડિલે સળવળ સળવળ થાય
- અચાનક મઘમઘના સેલ્લારે હરણું ફળિયામાં દેખાય
પછી તો જન્મારો વહી જાય
પછી તો જન્મારો વહી જાય......

પાદરથી છુટ્ટેલી સીમને ગાગરમાં ઊંચકીને –
- તડકો હાંફે હાડોહાડ
ભીંજાતું એકાન્ત ઓસનું સવાર ઓછી –
- હરખપદુડું કૂદે પ્હાડેપ્હાડ....
સપનાને સથવારે ચોગમ ઝળહળતું ચ્હેરાય
પછી તો જન્મારો વહી જાય
પછી તો જન્મારો વહી જાય....

આંખોના અજવાળે તરતું વ્હાણ અટકતું કોઈ –
- કિનારા જેવું ભાળી નામ
અને કુતૂહલ જેવું ટોળું ઢોલ-નગારા-ત્રાસ લઈને –
- છલકે ગામે ગામ.....
ગગન ઉપર એ ઘટના આખી પડઘાથી દોરાય
પછી તો જન્મારો વહી જાય
પછી તો જન્મારો વહી જાય.....


0 comments


Leave comment