૬૪ લાગણીના નામ પર કે ધારણાના નામ પર / ચિનુ મોદી


લાગણીના નામ પર કે ધારણાના નામ પર
હું વસાયો દરવખત બસ બારણાંના નામ પર.

હીરની દોરી હશે ને હાથ રેશમના હશે
ઝૂલનારા ઝૂલવાના પારણાંના નામ પર.

એમ પોંખ્યો એક ઇચ્છાએ સમયના દ્વાર પર
વારી વારી જાઉં છું ઓવારણાના નામ પર.

ધાર કે વેચાય છે સામી દુકાને સ્વર્ગ, પણ –
કોણ ઓળંગે સડક, આ ધારણાના નામ પર.

મોત પણ મારી નથી શકાતું હવે ‘ઇર્શાદ’ને
એ જીવી શકતો હવે સંભારણાના નામ પર.0 comments