૩૬ ક્ષણ બધીયે રંગબેરંગી લખોટી થાય છે / ચિનુ મોદી


ક્ષણ બધીયે રંગબેરંગી લખોટી થાય છે
આપણાં મરજાદી મનની બ્હૌ કસોટી થાય છે.

આપણા પણ હાથથી અમૃત સ્ત્રવે છે એટલે
જેમ હણતાં જાવ, શંકા એમ મોટી થાય છે.

ના, નથી આ આત્મહત્યા કે નથી એ ખૂન પણ
વાત દરિયા ને નદીની ખોટી ખોટી થાય છે.

કોઈની ઇચ્છાને કાપી નાખવી સારી નથી
વાંસ લીલો કાપીએ તો એક સોટી થાય છે.

બંધ કર જલ્દી ‘ચિનુ’, તું બેન્ડ વાજું શ્વાસનું
જન્મ પામ્યો ત્યારથી કોઈક ખોટી થાય છે.0 comments