45 - પ્રથમ, વહાણ મળે પછી જવાય કશે / નીરજ મહેતા


પ્રથમ, વહાણ મળે પછી જવાય કશે
’ને પૃષ્ઠતાણ મળે પછી જવાય કશે

સુકાન માત્ર ફર્યે ન એમ નાવ ખસે
સઢે દબાણ મળે પછી જવાય કશે

ન ક્યાંય માર્ગ દિસે પછી જ માર્ગ બને
અકળ ચઢાણ મળે પછી જવાય કશે

ન સૂક્ષ્મ સૂક્ષ્મ રહે ન સ્થૂળ સ્થૂળ રહે
અસલ પિછાણ મળે પછી જવાય કશે

લગાવવી જ રહી ભીતર છલાંગ હવે
અગમ પ્રમાણ મળે પછી જવાય કશે

ગઝલગરિમા


0 comments


Leave comment