૨૨ કોણ કહે છે કે અરીસાના હજી વશમાં છું હું ? / ચિનુ મોદી


કોણ કહે છે કે અરીસાના હજી વશમાં છું હું ?
ભાવ છું, ભાષા નથી, જોવાય તો મનમાં છું હું.

જેની તેની આંખમાં મેં જોઈ લોહીની તરસ
કેટલાં વરસોથી માણસખાઉં જંગલમાં છું હું.

સાતમો કોઠો સટાકે ભેદવો પણ શક્ય છે
એટલી શ્રદ્ધા પછી પણ સ્હેજ અવઢવમાં છું હું.

દ્રશ્યમાં દેખાય છે એ મોર મૂંગો થાય છે
ક્યાંકથી ટૌ’કા મળે ને, એ જ ખટપટમાં છું હું.

હોય છે આધાર જો ‘ઇર્શાદ’ સ્થળનો કાળ પર
તું કણોકણમાં વસે છે, ને ક્ષણેક્ષણમાં છું હું.0 comments