૧૨ ઝેર જાણી ચાખી જોવું જોઈએ / ચિનુ મોદી


ઝેર જાણી ચાખી જોવું જોઈએ.
શ્વાસ છોડી ચાલી જોવું જોઈએ.

તું નથી એવા સમયના સ્થળ વિશે
કલ્પી લેવું, ધારી જોવું જોઈએ.

પારકા બે હાથના સંબંધમાં
લોહી જેવું લાવી જોવું જોઈએ.

ચાડિયાને રણમાં રોપો એ પ્રથમ
રેતનું છળ ગાળી જોવું જોઈએ.

ઠાઠ ભભકા એ જ છે ‘ઇર્શાદ’ના
ઘર બળે તો તાપી જોવું જોઈએ.0 comments