૩૨ ભેદ એ કે આંસુ તો સારી શકાતું હોય છે / ચિનુ મોદી


ભેદ એ કે આંસુ તો સારી શકાતું હોય છે
વ્હાણમાં ઘેઘૂર રણ રાખી શકાતું હોય છે.

આ અકાળે કેડીઓ અવસાન પામી તો ય તે
રાજમાર્ગો પર હજી ચાલી શકાતું હોય છે.

સો સવાસો સૂર્યની પણ ધારણા ખોટી પડી
પાણી પોચા હાથથી તાપી શકાતું હોય છે.

ભરસભામાં નગ્ન મનનાં વસ્ત્ર ખેંચાયાં પછી
આમ અમથું પણ લાજી શકાતું હોય છે.

દરવખત માથું વઢાયા બાદ ધડ લડતું રહે
મોત પણ ‘ઇર્શાદ’થી નાથી શકાતું હોય છે.0 comments