૪૬ સપનાં ઉઘાડી આંખનાં જોયાં હતાં, મોહ્યાં હતાં / ચિનુ મોદી


સપનાં ઉઘાડી આંખનાં જોયાં હતાં, મોહ્યાં હતાં
રણમાં નિતરતાં ઝાંઝવાં ખોયા હતાં, રોયાં હતાં.

તરતી નથી, મરતી નથી, કાંઠે પડેલી માછલી
શું કામ કોરાં આંસુઓ ખોબો ભરી ટોયાં હતાં.

પાણી મને વ્હેરી શકે, કરવત નહીં કાપી શકે
ડૂબ્યાં પછી દરિયા થતાં પાણી બધે જોયાં હતાં.

ખંડેરમાં ધોળે દિવસે દીવો કરી શું પામશો ?
રજકણ ભરેલી બારીઓ દ્રશ્યો અહીં જોયાં હતાં.

પીંછા ખરે છે પાંખનાં પંખી છતાં ઊડ્યાં હતાં
આકાશમાં ખોવાયેલાં પગલાં ‘ચિનુ’ જોયાં હતાં ?