૬૩ કોઇ સમજી જાય પણ હું કેમ સમજાવું મને ? / ચિનુ મોદી


કોઇ સમજી જાય પણ હું કેમ સમજાવું મને ?
વાક્ય પૂરું થાય છે ત્યાં તો ધસી આવી ‘અને’.

કોઇ સાગરમાં ભળે છે ચાંદની ધીમે ધીમે
આજ એવું પણ બને કે ખારું જળ મીઠું બને.

કોઇ સો સો પાંખડીનું હોય ખૂશ્બોનું જગત
પાંપણો ભીની થશે ત્યારે જ દેખાશે તને.

‘કોઇ’ છે આ કોણ ? કેવો હોય છે દેખાવમાં ?
આજ શું છે કે પવન ધારણ કરે છે દેહને ?

હું ‘ચિનુ’ના ધડ ઉપર ‘ઇર્શાદ’ માથું મૂકી
દોડતો સમરાંગણે ને વીંઝતો તલવારને.