2.8 - વરસો પહેલાંની વારતા / રમણીક અગ્રાવત


હીંચકે બેઠો હીંચું
ખોળામાં રેડિયો
રેડિયોમાં ગીત
ગીતમાં ગમતું ચિત્ર
તું છો સોળ વરસની છોરી
તારું બે અક્ષરનું નામ
બોલતાં મોઢું ભરાય એવું
તારા નામની આજુબાજુ
ચાર પાંચ ગીત ફરે
ગીતે ગીતે નામ બદલાય
હીંચકો ચગે
ચગે ચગે કે એવો ચગે
ગીત ડગમગે રેડિયોનું
આમ નહીં ફાવે તો આમ બેસવાનું
હીંચકો ચાલુ ફરી
આ ફેરા વૃન્દાવન ગાર્ડનમાં –
ના, નદીનાં નીલાં નીલાં કોતરમાં
       જ્યાં રૂપેરી રેતી
વચ્ચે સોનલ-વરણું ઝરણું
એક બે ઝાડ મઝાનાં ઊભાં
ફૂલ ખેરવતાં એ ય રૂપેરી
દૂરની આછી નીલી ટેકરીઓ પર
ફુલ્લગુલાબી આભ
નામ બદલી તું હાજર
સોનલવરણું ઝરણું તારું ઝાંઝર
હીંચકો ચગે, હીંચકો ચગે
ચગે ચગે કે એવો ચગે
ઠેસ લાગતાં ઝગે અંગૂઠે ઝાળ -


0 comments


Leave comment