2.9 - વૃક્ષે : જે કદી લીલાં હતાં / રમણીક અગ્રાવત


(બર્ન્સ વોર્ડ)

૧.
બારણું સહેજ ખૂલે ને
સામેનાં વોલ-પીસનું બાળક નાકે આંગળી અડકાડી કહે
‘શ સ્ સ્ સ !’
બહાર તાજી હવા હશે
અંદર તો છે ચપટીક ટાઢી હવાનું રમણભમણ
બારીના કાચ બહાર ઊંચા ઊંચા સરુ અને
ચોમાસાની મીંઢી નિસ્તબ્ધતામાં આર્દ્રસ્વરે ઝમતું આકાશ
લીલવર્ણનો વિસ્તાર
હું સાવ કોરો જોયાં કરું
બારીને ભીંજવતાં ફોરાં
ડૉક્ટરનો રૂટીન રાઉન્ડ
      ‘ગુડ મોર્નિંગ, કેમ છો ?’
બારણામાં સફેદ વસ્ત્રોનું કિડિયારું ઊભરાય
મને ટેથેસ્કોપની નળીની જેમ
અવળસવળ ઝૂલવાનું મન થાય, પણ આ પાટાઓ –
સામેના ઊંચામાં ઊંચા સરુની ટોચની ડાળીએથી
એક કાગળો ભૂસકો મારે છે
મેં કેટલીય વાર એ કાગડા સાથે ભૂસકો માર્યો છે ત્યાંથી
પણ નીચેના ઘાસ સુધી પહોંચી શક્યો નથી
મારે માની ગોદમાં મોં છુપાવું એમ ઘાસમાં આળોટી રડવું છે
પણ આંખોના કૂવામાં રહ્યા છે માત્ર ડામ –
મારાં સળગી ગયેલાં સપનાંની ઝાળ પંપાળતો
બારીએથી બેસી રહું છું
ભરચક રસ્તામાં મને શોધ્યા કરું છું
રસ્તા પરથી પસાર થતાં કોઈ દૂરના પરિચિત સાથે
એક-પક્ષીય સંવાદ શરું કરી દઉં છું
છાપાની ‘આપની આજ’માં મારા માટે ભાખતા જોષીને
હું ઝંખવાણો પડતો જોઉં છું
દર બે દિવસે ચાદર બદલાય છે
એકાન્તરા ડ્રેસિંગ થાય છે
સાય થતાં દવાઓ ઊંચી નીચી થવા લાગે છે.
વૃક્ષો ઝૂલતાં નથી,
વૃક્ષો – જેનું નામ લેતાં મારા દાઝી ગયેલા મોંમાં
      ભીનાશ પ્રસરે છે –
વૃક્ષો ઝૂલતાં નથી.

૨. (બર્ન્સ વોર્ડ)
દરવાજામાંથી બહાર નીકળવાનું દરરોજ બને છે
આજ કંઈ વિચારું તે પહેલાં તો
દીવાલો સરકતી નજીક આવી
છત, દરવાજા, બારીઓ, બધું ધીમે ધીમે ગળવા માંડ્યું
અને થઈ ગયું મારામાંથી પસાર જરાય પીડા વિના
દીવાલો વચ્ચે ઊભેલા માણસો પાછળ રહી ગયા
એકાદી ચીસ, ધબાકો, બે ચાર દાઝેલાં ધ્રૂસકાં વટાવતો
હું સરકતો સરકતો
આસ્તેથી આંખ વાતે દડી પડ્યો....
ફળિયામાં મારું વાહન મૃતપ્રાય: પડ્યું હતું
તડકો ધીમે ધીમે ખસતો હતો
ક્ષણભર મને પાછા ફરવા મન થઈ આવ્યું
પછી હું મનોમન ભાંગી પડ્યો
રડવા મન થઈ આવ્યું
પણ તડકામાં હું પીગળતો હતો આંસુઓ સહિત
ક્ષણેક એક હસતું મોં દેખાયું ન દેખાયું
‘ને હું દાઝી ગયો
મારી માનો ચહેરો વિકૃત થઈ ગયો હતો
તે ફરીથી પ્રસવસમયની પીડા ભોગવતી હતી.

૩. (બર્ન્સ વોર્ડ)

એક નદી જરાય ખડખડાટ કર્યા વિના નીકળી પડી
પછી પહાડ પછી મેદાન
બળબળતું રણ- એકલું એકલું દાઝતું
રણ ફરફોલાઓ ફૂંક્યા કરે
પોચા હાથે દબાવેલું ફરફોલાનું પાણી જરીક ઠંડક સાથે
વેરાઈ જાય
બરફથી ય ઠંડાં સપનાં
ધીમે ધીમે નદી બરફનાં ગચિયાઓને વીંટળાઈને
ઠંડીઠંડીઠંડી પડતી જાય
રણને ફૂંક્યા કરે
ફરફોલાઓમાંથી હલતું હલતું એક પ્રાણી
ધીમે પગલે ચાલતું ચાલતું ચાલતું
આવે
અને ઊભી પૂછડીએ નાસે
હાથપગ હલે નહીં સહેજે
એરકન્ડીશનરની હવા દાઝી જઈને ભાગે
કાળાં પડી ગયેલાં હાથપગ છાતી મસ્તક
ફૂલેલા હોઠ સહેજ ફફડે
પછી ગંદા ઉચ્છવાસમાં ફરફોલા ઢોળાઈ જાય
ઝીણું ઝીણું કરડતા કરચલા
ચાદરના આ છેડેથી પેલે છેડે સુધી
દોડાદોડી કર્યા કરે પગ, મોં ઉચ્છવાસથી કરડતાં
સેલાઈન બોટલમાંથી કળતું કળતું સપનું
   ત
      રે
પથારીમાંથી ઠલવાઈ જવાય ધીરે રહીને અવકાશમાં.


0 comments


Leave comment