2.13 - ઘાસલીલા / રમણીક અગ્રાવત


મારા ઘરનાં પગથિયાં પાસે ફૂટી નીકળેલા ઘાસને મેં પૂછ્યો જીવનનો અર્થ. કેટલાક દિવસો પછી એ સુકાઈ ગયું. ઘરમાં જતાં આવતાં કેટલીય વાર તેને જોયું હશે. ઘણીવાર એમ જ પસાર થઈ જવાયું હશે. ક્યારેક તેણે પવનમાં ઝૂલી લેતાં મને જોયો હશે. ક્યારેક અડી પણ લીધું હશે. એ ઘાસ પગથિયાં પાસે ક્યારનું ઊગી ગયું હશે ? અને મારું તેને પૂછવાનું પણ કાવતાવેડા ગણો તો ચાલે, કદાચ સૂકાઈ જવાના ક્રમમાં જ તે સૂકાઈ ગયું હશે. અને પગથિયાં પાસે ગુડ હાઉસ કીપિંગની દૃષ્ટિએ નડે પણ ખરું. જો કે લીલું ઘાસ આંખને ગમે. ઘાસ, તું કંઈ અનુભવે છે ખરું ?

મારા વહાલા ઘાસ, તારો શોક પાળી શકું તેમ નથી પણ તને ઊગવાનું ક્યાંથી સૂઝ્યું ? કુદરતમાંથી ચોરી ચોરીને તેં એકઠો કરેલો લીલો રંગ મારા એક શાપથી બળીને ભસ્મ તારો ગળચટ્ટો લીલોરંગ તારાં મોતનું કારણ બન્યો હોય એવું ય બને. તું ભૂખરા, બદામી કે કોઈ એવાતેવા રંગનું બની શક્યું હોત ભાઈ ઘાસ. બધું આપણું ધાર્યું થતું નથી. તને કદાચ ઉપલું પગથિયું જોવાની આકાંક્ષા હશે કે તારા મૂળમાં બીજાં બે-ત્રણ બચલાં ફૂટે એવું ય ઈચ્છ્યું હશે, તારાં લીલા શ્વાસના સોગંદ, હવે મને પગથિયાં વટાવીને ઘરમાં જવાનું ગમતું નથી. અથવા ખરેખર કહું તો અંદર જતાં સહેજ ખચકાત થાય છે. પહેલાં હું ઘરમાં બેસીને તને કદી ય યાદ કરતો ન હતો. હવે ઘાસથી મારું આખ્ખુય ઘર ભરાઈ ગયું છે. મને સપનાં ય લીલા રંગનાં આવે છે. પણ સપનામાં તું કદી કોળતું નથી. સપનામાં તને સૂકાતું ય નથી જોયું. બસ, એવું જ રહે છે નિશ્ચિલ.


0 comments


Leave comment