2.14 - ક્ષણ – કમળ / રમણીક અગ્રાવત


નભ જરા નમી જઈને વધુ ચળકતું રહ્યું વરસી
લટ જરા લળી જઈને વધુ ઢળકતી રહી સ્પરશી

ક્યાં સમયમાં આપણે વરસીએ ?
ક્યે ખૂણેથી ઊભરે મનોહર દૃશ્ય,
એવડુંક ક્યાં વસીએ ?

જાંબલી મુલકમાં તને જોઈ છે જાંબલી જાંબલી હસતાં
ગોટેગોટમાં વિખરાઈ વળી સંધાય તું જરી અડકતાં

પ્રલંબ ક્ષણ એક પડઘાય સમયમાં
વિખરાય કણેકણ વિવશ હાથ પાસે
છેક આવી એટલેક અટકીએ

કાંકરી કાંકરી ખેરવતી તમે-મને આપ લે આપણી
થમ્ભી ગયેલી નદી ખળખળે કમળફૂલ સરસી
નભ જરા નમી જઈને વધુ ચળકતું રહ્યું વરસી
નેં ઢાળી બેઠી છે ને દૂર, તું વણબોલ્યું સ્પર્શી.


0 comments


Leave comment