2.16 - તું આવે ન આવે / રમણીક અગ્રાવત


આ ઝૂકેલ નભની છાતીમાં
આંખપીંછી ઝબોળ્યા કરું
એમ તો વાતવાતમાં થોડા ખચકાટમાં
રાહ જોયા કરું
તું આવે, ન આવે
ચાલતાં સ્હેજ પાછું જોયા કરું....

વટાવી શેરી છલોછલ
આંગણાંનો મોગરિયો કલરવ
વેલે ચઢતો ઠીંગુ તડકો;
લૂછી આંખ ઝાકળની ઊંડો શ્વાસ ભરું.....

રંગ ભરેલાં ખેતરનાં ખેતર
થોડાં ભૂખ્યાં થોડાં ખરડાયેલાં
વ્હેળા નાળાં ગરનાળાં
સૂસવતું ડમરીનું ભૂંગળ
છાતીના પિંજરમાં સૂક્કો શ્વાસ ભરું....
તું આવે ન આવે, ચાલતાં સહેજ પાછું જોયા કરું....


0 comments


Leave comment