3.5 - પહેલે પગથિયે પગ રે જ્યાં મૂક્યો .... / રમણીક અગ્રાવત


અવાજને પગથિયે ઊભો હું
મૂંગો
સ્તબ્ધ
અબઘડી જે તરતો મૂકીશ શબ્દ
એને લગીરેક હેતથી સ્પર્શું, મમળાવું મોંમાં
અવાજ જે તરશે છેક અહીંથી
છૂટવાની વેળ નાનકડી
કોઈ ધાકધડાકા વિનાની ઘટના
કોઈક સમયમાં હું ઓચિન્તો ફૂટીશ એમાં
કોઈક ક્ષણે હું ઉકેલાઈ જઈશ મને અમસ્તો
કે ઉકેલવાની રેખ લાધશે ઝીણેરી મને...
કોઈક મારી નજીક આવી રહેશે એને સ્પર્શે
જાણવાના ભાર વિના કોઈક મને જાણશે.....

પહેલે પગથિયે અવાજને
- હું ચઢું છું કે ઊતરું છું –
પગ ઊંચકું ત્યાં હાજર બીજો શબ્દ
ઝટ ઓળખાય નહીં એની ભિન્નતા
એવો જ ગોળ, એવો લપસણો
લગરીક કરકરો
સરકી જવા તત્પર મોંમાંથી
શબ્દ પછી શબ્દ, પ્રતિશબ્દ;
શબ્દ..........


0 comments


Leave comment