45 - વરસાદની વડછડ / રમેશ આચાર્ય


એમ હું કંઈ બાંધ્યો ણ બંધાઉં,
મારી સાથે વીજળી ને ગડગડાટ
બધું જ હોય,
છતાં તમે કહો છો તો
તમારું માન રાખવા
અને તમારી બીક દૂર કરવા
જેઠી બીજે મારી સાથે
ગડગડાટને નહીં લાવું.
પણ અષાઢી બીજે
ભગવાન જગન્નાથ
નગરચર્યા કરવા નીકળશે ત્યારે
તેમના દર્શન કરવા મારી સાથે
બધું જ હશે,
અને ગુરુપૂર્ણિમાએ ગુરુજીના
ચરણ પખાળવા જેટલો તો
હું વરસીશ જ.
હું તો તમારું બધું જ માનું,
પણ વીજળી કેટલું માનશે
તે હું માથે ન લઉં.
અને એ સાથે હોય તો
ક્યારેક તે પડતું મૂકે તો
મંદિરના ઘુમ્મટમાં તિરાડ પાડે,
એમાં વળી હું ટેકામાં હોઉં તો
મકાનો, હોટલો સાથે
વિદ્યાપીઠો પણ તણાઈ જાય.
પણ એટલું તમને વચન આપું કે
બાલમંદિરને ઉની આંચ
નહિ આવવા દઉં.


0 comments


Leave comment