25 - કોરી કરવા લાગણીને સૂકવી શકશો ખરા ? / ચિનુ મોદી


કોરી કરવા લાગણીને સૂકવી શકશો ખરા ?
એ મુલાયમ સ્વસ્થતા પણ દાખવી શકશો ખરા ?

ઓઠ તરસ્યા થાય તો આખું સુરાલય આ રહ્યું
હાથને લાગે તરસ, એ બુઝવી શકશો ખરા ?

આપણું મન એટલે બસ ઘાસનું મેદાન છે
મોરના પગના સગડ ત્યાં મેળવી શકશો ખરા ?

હાડ ગાળું તોય પાંપણ કોરી રહેવી જોઈએ
પણ અરીસામાં સમાઉં તો દ્રવી શકશો ખરા ?

દેવના દહેરે ધજા જેવું ફરકતું રાતદિન
ચીંથરે વીંટેલ મન છે, સાચવી શકશો ખરા ?

ખાલીખમ ખંડેરમાં ‘ઇર્શાદ’ ખડખડ હાસ્યના
માત્ર પડઘા પાડી મોતી ખેરવી શકશો ખરા ?


0 comments


Leave comment