47 - પરિપ્રશ્ન / રમેશ આચાર્ય


ઝાડની ટોચે ડાળી પર ખિસકોલી છે.
તેના આગળના બે પગ વડે તે કશુંક પકડી ફોલી રહી છે.
મારા હાથમાં ફાઉન્ટનપેન છે.
વર્ષોથી આ ફાઉન્ટનપેન શબ્દો પ્રસવે છે
અને હું તે શબ્દોને પ્રસવવાની, તપાસવાની, ટીપવાની, ઘસવાની
મારી આ ક્રિયા ક્યાં સુધી ચાલ્યા કરશે ?
રોજ સાંજે આ કાગડાઓ ક્યાં જાય છે ?
ક્યાં જાય છે રોજ સાંજે મારી કાળીકાળી કામનાઓ ?
ઝાડની ટોચ પરની ખિસકોલી ક્યાં સુધી કશુંક ફોલતી રહેશે ?
તેનું કશુંક ફોલવાની અને મારી શબ્દોને છોલવાની ક્રિયાને શો સમ્બન્ધ છે ?
શો સમ્બન્ધ ?
તેને અપરિચિત ફળને ફોલવા દઈ હું શબ્દોને તોળવા બેસું છું,
કે મને કશુંક ફોલતો જોઈ ખિસકોલી કશુંક છોલવા લાગે છે ?
શું પહેલું બને છે ?
અને રોજ સાંજે આ કામનાઓ ક્યાં જાય છે ?
ક્યાં જાય છે રોજ સાંજે મારા કાળા કાળા કાગડાઓ ?


0 comments


Leave comment