48 - શિયાળો બિલ્લીપગલે આવે / રમેશ આચાર્ય


દિવાળી કરવા આવેલા
મહેમાનો વિદાય માગવા લાગે.
દાઢી કરવા માટે લગાવેલો સાબુ,
દાઢી કરવાની શરૂઆત પહેલાં,
સુકાવા લાગે.
શેરીનાં વૃદ્ધો પોતાના હાથપગની
ચામડી સામે જોતાં
હાથ-પગ ખજવાળવા લાગે.
ઉષ:પાન માટે તાંબાની લોટીમાં
રાતે ભરેલું પાણી
સવારે પીતી વખતે ઠંડું લાગે.
પરિવારનો માનીતો કૂતરો રાજિયો
ઘરની લોબીમાં રાતે બેસવાને બદલે
લોબીના ઓટલા પરના
શણના કોથળા પર બેસવા લાગે.
ડાલામથ્થા સિંહ જેવો
દિગંબર સૂતેલો ગિરનાર
ટૂંટિયું વાળતા વાળતા
ધુમ્મસની ઝીણી ચાદર ઓઢવા લાગે.
પત્ની પથારીમાંથી અદમ ભીડી
ઊભી થવા લાગે.
મારી ઝીણી અને ઝાંખી આંખે
મને શિયાળો બિલ્લીપગલે આવતો લાગે.


0 comments


Leave comment