51 - ગોગલ્સ પહેરેલો માણસ / રમેશ આચાર્ય


ઊભો છે ગોગલ્સ પહેરેલો એક માણસ
રસ્તો ક્રોસ કરવા તેને છેડે.
હશે બુદ્ધના જેવી કરુણા ગોગલ્સ પાછળની
તેની આંખોમાં ?
કે હશે અંગુલિમાલ જેવી ક્રૂરતા ગોગલ્સ પાછળની
તેની આંખોમાં ?
હશે કરુણા તેની એક આંખમાં
અને ક્રૂરતા તેની બીજી આંખમાં ?
હશે સ્વસ્થ તેની બંને આંખો ?
કે હશે તેની એક આંખમાં મોતિયો
અને ઝામર તેની બીજી આંખમાં ?
હશે ગોગલ્સના કાચ તેની પસંદ
કે અનિવાર્યતા ?
હશે રચાયું અનાયાસ કાચ, તેની ફ્રેમ
અને તેના આકારનું મિલન ?
હશે ગોગલ્સ સાથેનો તેનો ચહેરો
તેની ઓળખ કે તેની લાચારી ?


0 comments


Leave comment