53 - તુલસીનો છોડ (કરુણ-પ્રશસ્તિ) / રમેશ આચાર્ય


થયો અફસોસ અત્યંત
હું પુષ્પદંત નથી તેનો,
નહિતર રચ્યું હોત
મારી ફળીના હે, તુલસી-છોડ,
તારું મહિમ્ન-સ્તોત્ર !
મૃત્યુ સમયે મોઢે મૂકવા લેવાયેલા
તારા પર્ણનું રચત
યશ-ગાન.
તારા લાકડાથી બળી
સદગતિ પામેલા
મૃતદેહ વતી
કરત તારો ઋણ-સ્વીકાર,
સરકારમાં કરત રજૂઆત
તારા છોડને
રાષ્ટ્રીય છોડનો દરજ્જો આપવાની.


0 comments


Leave comment