3 - સરળ અને સત્વશીલ સૌંદર્યની રચનાઓ / પ્રસ્તાવના / પાથરણાવાળો / ડૉ.સંજય આચાર્ય


આપવો મારે બધો ના શબ્દકોશ,
એક સાચો શબ્દ મારે વેદ છે.

એવું કહેનાર રમેશ આચાર્ય ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ છે. સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રનાં નિવૃત્ત કર્મચારી એવા કવિ રમેશ આચાર્ય હંમેશા પોતાની કેડી કંડારીને ચાલ્યા છે. તેમની કવિતાની લાક્ષણિકતા સરળતા છે. રમેશભાઈની કવિતા સરળ, સીધી હોવાની સાથે સચોટ અને અસરકારક પણ છે. તેમની પાસેથી આપણને ગુજરાતી સાહિત્યનો પ્રથમ મોનો-ઈમેજ કાવ્યસંગ્રહ ‘ક્રમશ’ (૧૯૭૮), પ્રથમ તાન્કાસંગ્રહ ‘હાઈફન’ (૧૯૮૨) અને ઉમાશંકર જોષી એવોર્ડથી પુરસ્કૃત ‘મેં ઈચ્છાઓ સુકાવા મૂકી છે’ (૨૦૦૮) અને ‘ઘર બદલવાનું કારણ’ (૨૦૧૩) જેવા કાવ્યસંગ્રહો મળ્યા છે. તાજેતરમાં જ એમને ‘કવીશ્વર દલપતરામ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે.

એકવીસમી સદીની કવિતાનું મુખ્ય માધ્યમ અછાંદસ રહ્યું છે. શરૂઆતના કેટલાક વાદ-વિવાદને બાદ કરતાં એની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ અંગે ખાસ કોઈ વિવાદ રહ્યો નથી. અછાંદસ એટલે સર્જકની સંવેદનાઓને આકારિત કરતો નવો માર્ગ. ભાષારચનાગત–સ્વરભાર, આરોહ – અવરોહ, ઉદબોધન, સ્વગતોક્તિની લઢણો, કથન – નિરૂપણ – સંકેત કરતી ભાષા-ભાત વગેરેથી અછાંદસને ઓળખી શકાય છે. વિસંગત, આધુનિક, છિન્ન જીવનની લાગણીઓ કે ભાવો માટે ગુજરાતી સાહિત્યમાં અછાંદસનો સફળ રીતે પ્રયોગ થયો છે. આવા પ્રયોગની પરિણતી રમેશભાઈના પાંચમા કાવ્યસંગ્રહ ‘પાથરણાવાળો’માં જોઈ શકાય છે.

વાસ્તવવાદી સાહિત્ય એટલે લોકજીવનના નક્કર-કઠોર પ્રશ્નો રજૂ કરતુ સાહિત્ય. તત્વજ્ઞાનમાંથી સાહિત્યમાં ઊતરી આવેલા વાસ્તવવાદ [Realism] અને પ્રકૃતિવાદ [Naturalism] નો સમન્વય ઉપર્યુક્ત કાવ્યસંગ્રહમાં થયો છે. સમાજમાં રહેલા નિમ્નવર્ગીય લોકોના સુખદુઃખની વાતો અને આર્થિક વિષમતાઓનું અહીં ચિત્રણ છે. સંગ્રહનું શીર્ષક બનેલા કાવ્ય ‘પાથરણાવાળો’માં ઉત્કટ સામાજિક અભિજ્ઞતા પ્રગટ થાય છે.
‘પોતાના કપાળ જેવડું પાથરણું પાથરી
બેઠો છે પાથરણાવાળો.
તેના પાથરણામાં સૂપડી ભરાય એટલા
કાતરા છે.
સૂપડું ભરાય એટલી કાચી બદામ છે.’

કાતરા, બદામ, ગુંદા વેચતા પાથરણાવાળા પાસેથી ખરીદી કરતા લોકોની જિંદગીને પણ કવિ કાવ્યત્વ અર્પે છે. ‘ખટમીઠી જિંદગી’, ‘જિંદગીની ચીકાશ’ જેવા શબ્દોથી જીવનના વિવિધ રંગો તાદૃશ થાય છે. વેદના અને કટાક્ષ ‘બી.પી.એલ. કાર્ડધારક’ કાવ્યમાંથી ઊભરે છે. તાલુકા સેવાસદનની પુરવઠાશાખામાં વર્ગીકરણની ગૂંચમાં પડેલી અરજી અભેરાઈએ ચઢી જાય અને શ્રમજીવી લાભથી વંચિત રહે એ જીવનની વાસ્તવિકતા છે. ‘મારી વૃદ્ધાવસ્થા’ આસ્વાદ્ય રચના છે. પોતાની શરીર પર દેખાતા વૃદ્ધત્વના ચિન્હોને કવિ સહજતાથી કાવ્યદેહ આપે છે.
‘જળાધારીમાંથી શિવલિંગ પર
ટપકતાં ટીપાંની જેમ વર્ષો
ટપક ટપક ટપકે
અને પાણીનાં ટીપાં સાથે ભળી
જીવ પણ શિવ તરફ ગતિ કરે’

જીવ અને શિવની એકાત્મકતાની વાત કરતાં કવિને રણના રંગમાં ‘નેતિ નેતિનો રંગ’ દેખાય છે. આ ઉપરાંત ‘ગોગલ્સ પહેરેલો માણસ’, ‘પરકાયાપ્રવેશ’, ‘મારી નિશાની’, ‘ભાવકનો શાપ’ જેવી રચનાઓમાંથી વાસ્તવવાદી અભિગમ પ્રગટે છે.

આજે સમગ્ર વિશ્વમાં પર્યાવરણકેન્દ્રી વિવેચન – Echo criticism વિશે ચર્ચા થઈ રહી છે. પ્રકૃતિ અને મનુષ્ય પરસ્પર સંકળાયેલા છે. પરંતુ આજનો માનવી પ્રકૃતિથી વિમુખ થઈ રહ્યો છે. ગ્લોબલ સમયમાં પર્યાવરણ અને મનુષ્ય વચ્ચેનું અંતર વધતું જાય છે. પર્યાવરણ અંગેની જાગૃતિ કેળવવાનાં અનેક પ્રયાસો થઈ રહ્યા છે. સર્જક પણ પર્યાવરણને પુન:સ્થાપિત કરવા પ્રયત્નશીલ છે. પ્રકૃતિને પ્રતિષ્ઠિત કરવાનો પ્રયત્ન કવિ રમેશભાઈની કવિતાઓમાં જોઈ શકાય છે. જેમ કે – ‘વરસાદની વડછડ’, ‘તેજ અને ભેજ’, ‘બહુરૂપી પવન’, ‘રણનો રંગ’, ‘ઉનાળાની અલસ બપોર’, ‘સૂરજનું પહેલું કિરણ’, ‘મારી સમજ’, ‘અધિકમાસની પૂનમનો ચાંદ’, ‘તુલસીનો છોડ.’

તુલસીનો છોડને રાષ્ટ્રીય છોડનો દરજ્જો આપવાની વાત કરતાં કવિ ફૂલોનાં પ્રશ્નોને પણ વાચા આપે છે. અધિક માસના પૂનમના ચાંદ માટે કવિની કલ્પના તાજગીસભર છે. બિલ્લી પગલે આવતા શિયાળાને કવિ આવકારે છે તો વળી ઉનાળાની અલસ બપોરનું શબ્દચિત્ર પણ સુંદર રીતે સર્જ્યું છે. કવિએ પવનનાં વિધવિધ રૂપો બતાવી પવનને સમજવાની પોતાની મથામણને અધૂરી જ ગણાવી છે. તેથી અહીં સ્પષ્ટ થાય છે કે પ્રકૃતિના રહસ્યને સમજવામાં મનુષ્ય પાંગળો પૂરવાર થાય છે. કવિ પવનને ચાક્ષુષ કરે છે. સ્વાદેન્દ્રિય સાથે સાંકળે છે.

પ્રકૃતિના અભિન્ન અંગ એવા પશુ-પંખીઓ પ્રત્યેનો કવિનો લગાવ એમના કાવ્યોમાં સમયાંતરે વ્યક્ત થતો રહે છે. જેમાં ‘બગલા પક્ષીની વડછડ’, ‘મામલો’, ‘ચકલીનો માળો’, ‘પતંગિયા કથા’, ‘છીંકલી’, ‘ઊભો સંબંધ, આડો સંબંધ’, ‘અમારા ઘરની મીનીમાસી’ જેવી કવિતાઓનો સમાવેશ થાય છે. પોતાના ઘરની મીનીમાસી માટે કરુણ-પ્રશસ્તિ રચતા કવિની પશુ-પંખી માટેની ગાઢ નિસબત અહીં દેખાય છે. ખિસકોલી, બળદ, પતંગિયું, ચકલી, કાગડો, કોયલ, બગલો વગેરે રચનાઓમાં વિવિધ આયામો અહીં ચમત્કૃતિ સર્જે છે. કવિના ઘરમાં ચકલીએ બાંધેલો માળો કવિ માટે આનંદનો અવસર છે. અહીં તેમની સૂક્ષ્મ સંવેદનશક્તિને વખાણવી જ પડે.

આપણા આસપાસના પરિવેશમાં રહેલી રોજિંદી વસ્તુઓને કવિતામાં ઢાળવી કવિ રમેશ આચાર્યની વિશેષતા છે. ઘઉં, ચોખા, જુવા જેવા ધાન્ય પર તેમણે કાવ્યો સર્જ્યા છે તો વળી સફરજન, કેળું, સીતાફળ, જામફળ, શિંગોડું, દાડમ જેવા ફળ પર પણ કાવ્યો લખ્યાં છે. પ્રશ્નાર્થ જેવું કેળું અને આપ્તજનોએ કરેલા ઘાના ભીંગડા સાચવતું સીતાફળ, બુદ્ધની સમીપે રહેલા અંગુલિમાલ જેવું શિંગોડું, ગુલાબી મેકઅપ કરેલા મુંબઈની પરાની ગાડીના પેસેન્જર જેવા દાડમના દાણા જેવા કલ્પનોની શ્રુંખલા વૈવિધ્ય સર્જે છે. તો વળી ‘કોસ’, ‘હાથરૂમાલ’ જેવી વસ્તુઓને કાવ્યદેહ આપ્યો છે. આ સાથે તાવડી-લોઢી, સાણસી, ચીપિયો તાવેથો, પાટલી, વેલણ, કથરોટ, ચમચી જેવી વસ્તુઓને લઈને રસોઈઘરનાં કાવ્યો પણ લખાયાં છે.

રમેશ આચાર્યનું ભાષાપ્રભુત્વ પ્રશંસનીય છે. એમની પદ્યશૈલીમાં લય અને ચમત્કૃતિનું વિશિષ્ટ તત્વ જોવા મળે છે. તેજસ્વી અને પ્રવાહી પદ્યરચનાઓને કારણે કવિ રમેશ આચાર્ય પોતાના નિશ્ચિત ધ્યેયને હાંસલ કરી શકે છે અને તેથી તેમનો આ કાવ્યસંગ્રહ આસ્વાદ્ય બન્યો છે. આ સંગ્રહમાં જુદા જુદા વિષયોને લઈને કવિતાનું સર્જન થયું છે તેમ છતાં એ વિષયો એકમેકમાં સંક્રાન્ત થઈ જાય છે અને ભાવકના ભાવજગતને સમૃદ્ધ કરે છે. કવિ ચિંતક અને દૃષ્ટા છે. ‘શકુનિ સમા સમય’ની સામે સઘળું હારતા કવિની ખુમારી અનેક વાર પ્રગટે છે. ચિંતનની સૂક્ષ્માતિસૂક્ષ્મ રેખાઓને તથા ભાવસંવેદનોના છટકણા રંગોને કવિ રમેશ આચાર્ય અસરકારક રીતે પ્રગટાવવાનું કૌવત ધરાવે છે એની પ્રતીતિ આ કાવ્યસંગ્રહમાં થાય છે. આ સંગ્રહની અછાંદસ રચનાઓ કોઈ સ્વછંદ રચના નથી પણ એમાં કવિનો સ્વ-છંદ અવશ્ય છે. કવિનો અંગત પરિસર, નિજી અવાજ અને પોતીકો લય આ અછાંદસ રચનાઓને વધારે આસ્વાદ્ય બનાવે છે.

સરળ, સમૃદ્ધ, સત્વશીલ અને તાજગીસભર અન્ય કાવ્યસંગ્રહની અપેક્ષા સાથે.
-ડૉ. સંજય આચાર્ય
મ્યુનિ. આર્ટસ એન્ડ યુ. સાયન્સ કોલેજ,
મહેસાણા


0 comments


Leave comment