30 - એકદમ ખોટી પડેલી આંખને ક્યાં જાણ છે ? / ચિનુ મોદી


એકદમ ખોટી પડેલી આંખને ક્યાં જાણ છે ?
પાર કરવી છે નદી ને સામે કાંઠે વ્હાણ છે ?

તારી ઈચ્છા જેટલું આ સ્વચ્છ પાણી છે ખરું ?
વીંધવાને માછલી છે, હાથમાં છો બાણ છે.

દ્રશ્યના દરવાનને ઝબ્બે કરી દીધા પછી
લાશ સંતાડાય એવું બારીમાં પોલાણ છે ?

એક ચ્હેરો જોઈ પાછી લાગણી ક્યાં સળવળી ?
કેમ પાણી જેવું પથ્થરનું મને ખેંચાણ છે ?

એકદમ ‘ઇર્શાદ’ મૂંગો થાય તો સારું હવે
શબ્દના સરિયામ રસ્તા પર બહુ ભંગાણ છે.


0 comments


Leave comment