97 - આકાશ / મનોજ ખંડેરિયા
લોહીમાં ખળભળ્યું અમે આકાશ
શ્વાસમાં સળવળ્યું અમે આકાશ
બંધ વરસોથી જે હતી એવી –
મુઠ્ઠીમાંથી મળ્યું અમે આકાશ
રંગ ભૂરો છે રાખનો આ તો
ચાંદનીમાં બળ્યું અમે આકાશ
બોરસલ્લીની ડાળીઓ વચ્ચે –
મ્હેકભીનું લળ્યું અમે આકાશ
સાવ હળવેકથી ઉપાડી લે !
હાથમાંથી ઢળ્યું અમે આકાશ
રોજ જળમાં અમે ઊતરતા ને –
રોજ તરસે બળ્યું અમે આકાશ
આંસુનું વસ્ત્ર આવ પ્હેરી લે !
આંખમાં ઓગળ્યું અમે આકાશ
રોજ અકળાતું બંધ ફુગ્ગામાં
છૂટવા ટળવળ્યું અમે આકાશ
કોઈથી ક્યાંય જે ભળી ન શક્યું
અંધકારે ભળ્યું અમે આકાશ
સર્વ ઈચ્છા મૂકી ક્ષિતિજો પર
અંતે પાછું વળ્યું અમે આકાશ
0 comments
Leave comment