23 - સંચાર / રાવજી પટેલ


શાંત સૂનું સ્થલ
અવાચક છે હજી તો ઘેનમાં,
સળવળે ના વૃક્ષની છાયા
કદાચિત સૂર્યનાં કિરણોય તે
ના જાય લેટી અહીં !
ફૂલ ડૂબ્યાં નીંદમાં
એક આ સુગંધ ફરતી આમ
જાણે હવાની ઊંઘ ધીમે ઊડતી !
પતંગિયું આવ્યું ત્યહીં મુજને લગીર અડક્યું
અને
એ ફૂલ પર બેઠું.
રંગીન પાંખો હલમલે એથી હવે તો
પાંદડી પર
અર્ધસૂતાં આભ ઝોલાં ખાય.


0 comments


Leave comment