25 - સાંજલટાર પછી / રાવજી પટેલ


તાળું ખોલું ને લાલ છુટ્ટી ઘરમાંથી સાંજ
છોળબોળ નવડાવ્યો રેલાવ્યો
ભીંતમાંથી છૂટ્યા સુગંધ રંગ ઘોડા
રવાલગીત વાયુના કાંગરા કૂદ્યાં....

મનુષ્યના દીવા
મનુષ્યના દીવા
કે બારણે આવી હો મોગરાની ગાયો
આ અંધકાર મહુડાની જેમ મસ ફાલ્યો !

હું ઘરમાં પેઠો;
ઝબક દઈ ઝાલ્યો
કે ઘૂંટડા જેવા હજાર હાથ પીતો
હું આંખ મારી ખોલું
પતાળપાણી ડ્હોળું - હું આળોટું શય્યા પર.
રોમ રોમ
દારૂનાં ફૂલ ખીલી ઊઠયાં,
ને સૂતેલું ઘેન ઝબ જાગ્યું.
હડુડ દેઈ ભાગ્યું કે ઘર મારું ભાગ્યું.
હું આમતેમ ખોળું
મનુષ્યનો દીવો
મનુષ્યનો દીવો.


0 comments


Leave comment