26 - ભર્યા સમદર / રાવજી પટેલ
ભર્યા સમંદર આાંખોથી ખાલી કરવાના
હજી કેટલું જીવવાનું છે; બકવાનું છે ?
ગાલ નીચેની માટીમાં આકાશ લસરતું
સરવરજલને મળી ચૂકેલું માંસ બોલતું .
‘ભર્યા સમંદર આંખોથી ખાલી કરવાના.’
જન્મ્યું શું ? - રોજ ઊઠીને પૂછીએ તો ક્હે –
હજી કેટલું જીવવાનું છે; બકવાનું છે ?
ગાલ નીચેની માટીમાં આકાશ લસરતું
પવન રુધિરે છણક્યો – છાતીનાં ફૂલ ખરશે
ખરશે એવું થઈને ભૂલ્યાં ગઈ કાલને
યાદ કરીને ભૂલ્યાં – ભૂલ્યાં સુખ આજનાં
જન્મ્યું શું રોજ ઊઠીને પૂછીએ તો કહે :
‘પવન રુધિરે છણક્યો – છાતીનાં ફૂલ ખરશે’
એવું માઠું સમણું પાછું કાઢો - પાછું કાઢો.
મરવાનું છે કાલે ગીધને પાછું કાઢો, પાછું
યાદ કરીને ભૂલ્યાં એ પણ. સુખ આજના
ખરશે એવું સમજી ઝૂલ્યાં ગઈ કાલને
ઝૂલે. સરવરે ઝૂલે, વાસણ ઝૂલે ઓ રે !
મરવાનું છે કાલે ગીધને પાછું કાઢો, પાછું.
હજી અમે તો દીઠી કોયલ વ્હેતી; આાંબો
હરતોફરતો હજી અમે ના દીઠો, પર્વત
ઝુલે ? સરવર ઝૂલે ? વાસણ ઝૂલે ? ઓરે
હજી અમે ના દીઠી કોયલ વ્હેતી ? આાંબો
શરીરમાંથી લચક્યો ક્યારે લળક્યો ક્યારે ?
મરવાનું છે કાલે ગીધને પાછું કાઢો; પાછું.
હરતોફરતો હજી અમે ના દીઠો પર્વત-
પર્વત બકાસુરનું મસ્તક થઈને વાગે !
વાગે - વહાણવટાની વાતો, ખરતું પાન આંખનું
વાગે - વાગે કન્યાની પીઠીનો પીળો પડછાયો.
હરતોફરતો હજી અમે ના દીઠો : આાંબો
શરીરમાંથી બળક્યો ક્યારે, લચક્યો ક્યારે ?
લોહી વગરનો – માંસ વગરનો – કૈંક વગરનો.
0 comments
Leave comment