28 - ઘરમાં બેઠાં બેઠાં / રાવજી પટેલ


બપોરી વેળની શાંતિ બેસતી આ અહીંતહીં
ગુંજતી ગુંજતી પેલાં નેનમાં ગૈ કપોતનાં.
બારીએ ચૂપ હાલે ના પીછું એક જરીય તે.
પડોશી બાળકો ખેલે; ચલ્લીઓ શી ચવ્યા કરે !
પડે ટીપાં અવાજોનાં શ્રવણે મન ભાવતાં.
બારણે લીમડો ડોલે કુંપળો તો લચી જતી !
અને ત્યાં ડોલતો હુંયે કેમ તે જાણતો નહીં.

સૂપડે અન્નને સોતી ગૃહલક્ષ્મી પુરાવતી
હસ્તની થાપની સાથે તાલ કંકણના ઝીણા.
દાણો દાણો જ્યહીં ગાતો ધૂમરી લે હવા પછી
પડ્યો ત્યાં ભંગ નિદ્રામાં કપોતની; તેયે ઊડ્યું.
ડાળીઓ ઝૂમવા માંડી પાંદડાં ગીત ઝીલતાં
એમ આ લાગતું જાણે રાસલીલા અખંડિતા
ચગી.


0 comments


Leave comment