29 - એક રુગ્ણ કવિતા / રાવજી પટેલ


૧૦ વાગ્યે રાત્રે
શિયાળુ રાત
મૂંગો પંથ
ડોલે પર્ણ પણ ના.
એકલો
ઉદ્દશ્યહીન વેરાનમાં
હું દૂર વસ્તીથી ઘણે.
ઠંડી પડે એવી અરે, કે
ચંદ્ર દેખાતો નથી
ને
તારલા થથર્યા કરે....

૧ વાગ્યે
સામે ઘર ઓટલાને
હવે
જોયા કર નહીં, ભાઈ !
ત્યાં તો
અંધકારે
ખસી જતી ચાંદનીનો સાહ્યો મૃદુ પાય.
એવું
બિનહક
તારાથી તે થાય ?
જો,
મનને તું ખીલી જેમ
એક જગ રાખ નહીં આમ.
સેંડલનો રવ ?
મધરાતે ક્યાંથી ?-
એ તો પેલે પાર
પવનને ઝોલે જરી વેલ ઝૂકી ગઈ !

સામે ઘર-બારણાને
જોયા કર નહીં
મારા ભાઈ !

૭-૪૫ સવાર
ચૂનો-તમાકું કેમ છોડું ?
એના વગર તો સાવ અતડું ના મને લાગે?
દિવસ આખો જતો રહે કેમ –
તે તો
સોન-પાંદડીઓ જ જાણે !
છોડું
પરંતુ શહેરનાં
લાખો મનુષ્યોમાં
કોણ પોતાની ત્યજે
સારી-નઠારી ટેવ
તે છોડું ?
એના વગર....

૩-૪૫ વાગ્યે
પોણાચાર થાય
ત્યારે
ઓફિસમાં
પીપળાનાં વૃક્ષ મારી ચોતરફ
ઊગી જાય !


0 comments


Leave comment