37 - નવલકથાના એક પાત્ર ઉપર કવિતા / રાવજી પટેલ
આકાશ નીલ થતું જાય છે.
મારી ઘ્રાણપ્રિયાના છુટ્ટા કેશથી
આકાશ હવે નીલ નીલ અતિનીલ થતું જાય છે.
ઝબ કરતો
લીમડાની ટોચ પર સૂર્યોદય થયો !
પવન કુંપળને બાઝી પડ્યો
મારી ધ્રાણપ્રિયાનો ત્વચાસંદેશ
સૂસવાતો ચોતરફ
ચોતરફ સૂર્ય નાહ્યા કરે
ચોતરફ સૂર્ય ઊગ્યા કરે.
O
આવે છે મારી ક્ષ
નિહારિકાનું ઉપવસ્ત્ર પહેરીને
પ્રથમ રાત્રિની જેમ તે આવે છે.
હમણાં રે હમણાં
માટીમાંથી ઝાંઝર ઊગશે
સાભ્રમતી સારસી બનીને એની પાંખોમાંથી
અંધારું પૂરશે
પુષ્પો પુષ્પો પુષ્પો
સમસ્ત વૃક્ષને સૂંઘ્યા કરું.
Ο
વિસ્મય
અનાકાશ વિસ્મય !
સમયમાં પણ વ્યાપી ગયા સ્તન.
કસ્તૂરી હવાનો બધે પાશ
આ
આવી મારી ઘ્રાણપ્રિયા
ને હવે તો
કેવળ ત્વચાનો જ અવાજ;
જૂઈમાંથી સુગંધ ખરે એવો.
મારી ચોતરફ લાગે છે ઘૂઘવાતો
લયબદ્ધ સમૃદ્ધ ત્વચાનોં
મારી ક્ષ
મારી ક્ષ
મારી ક્ષ મારી ક્ષ
મારી ક્ષ
ક્ષ ક્ષ ક્ષ મારી ક્ષમા ક્ષ
ક્ષ
ક્ષ
૦
0 comments
Leave comment