39 - રતિઋતુ / રાવજી પટેલ


ફરી પાછી શરૂ થઈ નીરવ સમય તણી મધુગાથા !
મેઘપથે નિરંતર ઉડ્ડયન સારસનું ફરી પાછું...
જૂઇ-સુગંધની ઝરમર,
સ્વપ્નોનું વન અને હું.
તૃણદલમાંથી તિમિરનો આવિર્ભાવ !
તિમિરને મનોગતિ શરીરમાં ઘૂમરાય
ઓતપ્રોત ચ્હેરાના સાગરનો હિલોળ
સ્હેજ ચૂમી થાય શાંત...
ઘડીભર
નક્ષત્રોની શુભાશિષ થાકી દ્વય હૃદયનો મહાસેતુ
ભરચક થઈ રહે.
ઘડીભર
પ્રાણનો તરલ મૃગ સુગંધની પથારીમાં પડ્યો રહે !
ઘરીભર
પૃથ્વીથી સૂર્ય ભણી ક્ષણિકમાં પહોંચવાની
વિદ્યુત-છલાંગ
પછી ધીરે
ધીરે
નિરંતર ઉડ્ડયન
સારસ કુસુમ તણું....
ફરી પાછું !


0 comments


Leave comment