43 - વરસાદી રાતે / રાવજી પટેલ


ઈશાની પવન મારા છાપરાના નળિયાને ઊંચું-નીચું કર્યા કરે.
નળિયાંની નીચે મારી ઊંઘ પણ પીંછા જેવી
આઘીપાછી થયાં કરે.
નાનો ભાઈ બચ બચ ધાવે,
બચકારે બચકારે અંધારાનો મોલ હલે.
સ્હેજ વળી ફણગાની જેમ કૂણું કણસીને
બચ બચ પીધા કરે માયાળુ ખેતર.
મારી કીકીઓમાં કણસલાં હળુ હળુ હલ્યાં કરે.
એની પર પંખીઓનાં પીંછાં સ્હેજ ફરફરે.
આખો દહાડો ઢેફાઈ કુટાઈ –
મા
પંજેઠીની જેમ લૂસ ખાટલામાં પડી રહી.

મારા બાવડામાં દિવસ, બળદ, હળ; બારે મેઘ પોઢયાં
અને
નળિયાની નીચે મારી ઊંધ
પીંછાં જેવી આધીપાછી થયાં કરે...


0 comments


Leave comment