47 - કેશાલ પ્રહાર / રાવજી પટેલ


બસ બસ
ખેંચી લે તું બારીમાંથી કેશ પાછા.
ખેંચી લે.
મારી હાજરી ને છેદી નાખે પ્રતિક્ષણ
કેશલ પ્રહાર તારા - સહ્યા નવ જાય !
હજી સાંભળું છું
પયોધર પર મારા શ્વાસ
ઘેરું ઘસાયા જે વારવાર...
કેટલીય વાર
તારા દેહ થકી ખેંચી લીધાં
નિશ્વેતન રાત્રિઓનાં ચીર !
સ્વપનમાં રસ સમી વહી રહી હોય ત્યારે
ભેળવ્યો છે. મેંય મારો ખંડ ખંડ
સાકરની જેમ.
કઈ ધન્ય ક્ષણે
પ્રિય, અલગ પડીને તું-માં ભળી રહું,
એનું લવલેશ રહેતું નહીં ભાન !
પાછું એ જ
મધુ રસચક્ર....
રાત ભરાય ભરાય ઠલવાય...
તિમિરનો લય હળું
મન મહીં અથડાતો આજ
નથી તને યાદ ?
બસ બસ
ખેંચી લે તું બારીમાંથી કેશ પાછા આજ.


0 comments


Leave comment