3 - સાહિત્યકારોનાં પ્રતિભાવ / કઠપૂતળી


‘સહજ' તખલ્લુસથી ગઝલ લખતો વિવેક માત્ર નામથી વિવેક નથી. ગઝલની અદબ જાળવવાનો વિવેક પણ એનામાં છે. બે પંક્તિઓ વચ્ચેની વાબસ્તગી અને વિષયને વાચા આપતા રદીફ-કાફિયા વચ્ચે જળવાતો સમન્વય આપણને મલાથી મક્તા સુધી દોરી જાય છે અને સાવ નવા રદીફ-કાફિયાની જુગલબંદી આનંદ આપી જાય છે.
– ખલીલ ધનતેજવી, વડોદરા

ગુજરાતી ભાષાના છેક અધુનાતન ગઝલકારોની હરોળમાં, મૂળ મરાઠીભાષી પણ સવાયા ગુજરાતી સિદ્ધ થવા તરફ પ્રયાણ કરી રહેલા વિવેક કાણે ‘સહજ’નું નામ મોખરાની હરોળમાં યોગ્ય રીતે જ ગણાય છે.
... અહીં ગઝલનું ભાષાકર્મ સવિશેષ ધ્યાનપાત્ર છે. ભાવ અને ભાષા, ઉભય દૃષ્ટિએ આ એક સાચૂકલી આધુનિક, આજની અને આવતી કાલની દુનિયાની પરિસ્થિતિની ગઝલ છે.
– ભગવતીકુમાર શર્મા, સુરત

... ફિલસૂફી એ કવિતાનો બોજ નથી, એ તો કવિતાનું હલેસું છે. આ ગઝલમાં એવું હલેસું કવિતાની દિશામાં આપણને લઈ જાય છે અને અંતર કપાયાનો અનુભવ આપે છે.
– ડૉ. વિનોદ જોષી, ભાવનગર

સાંપ્રત ગુજરાતી ગઝલમાં અત્યારે કેટલાક નૂતન અવાજો સંભળાય છે, એમાં વિવેક કાણે ‘સહજ’ની નોંધ અવશ્ય લેવી પડે એમ છે. ઘોંઘાટ વચ્ચે એ સંતપર્કતાનો અનુભવ કરાવે છે.
.. એ ગઝલ-સ્વરૂપને સુપેરે પામ્યો છે. પોતાના પૂર્વસૂરિઓના પેંગડામાં પગ ઘાલવા કરતાં એણે પોતાની નવી કેડી કંડારી છે. એમાં કશુંક નવું, અપૂર્વ રીતે કહેવાની આરત છે, અને એ જ કવિકર્મની સાચી ઓળખ છે.
– ડૉ. રશીદ મીર, વડોદરા

‘સહજ’ જે પંક્તિઓ, હું ગણગણ્યો સ્વગત મનમાં,
સમીર ગાતો રહ્યો રાતભર હિલોળા લઈ
– વિવેક કાણે “સહજ


0 comments


Leave comment