2 - થોડી વાત... ભાવક સાથે / કઠપૂતળી / વિવેક કાણે ‘સહજ’


કવિતાનું કોઈ પ્રયોજન હોય, મારી કવિતાનું કંઈ પ્રયોજન ખર્ચ - આવા પ્રશ્નો મને ઘણીવાર થયા છે અને આજ સુધી એનો કોઈ સ્પષ્ટ ઉત્તર સૂઝ્યો હોય એવું યાદ નથી.

હા, એટલું ખરું કે આ એક શોધ છે. શું શોધવાનું છે, ક્યાં શોધવાનું છે, શા માટે શોધવાનું છે, એવી કોઈ સભાનતા વિનાની. સાવ અનિમિત્ત, કશુંક સ્વગત ગણગણતા હોઈએ અને અચાનક કંઈક મળી આવે ત્યારે આપણે આ જ શોધતા હતા કે શું?’ એવો સંભ્રમ પણ ક્યારેક થાય, અને એ જ પંક્તિઓ સમીરના હિલોળામાં ઝિલાતી અનુભવાય ત્યારે જ કદાચ આવો શેર પ્રગટે –
‘સહજ’ જે પંક્તિઓ હું ગણગણ્યો સ્વગત મનમાં
સમીર ગાતો રહ્યો રાતભર હિલોળા લઈ.

આમ સાવ અનિમિત્ત, કશુંક સ્વગત ગણગણતાં ગણગણતાં મને જે મળી આવ્યું, એમાં આપને પણ રસ પડશે એમ મને લાગ્યું અને એના જ પરિણામે આ સંગ્રહ ‘કઠપૂતળી' અત્યારે આપના હાથમાં છે.

આ સંગ્રહના ગઝલ-વિભાગમાં ૫૧ ગઝલોનો સમાવેશ છે. આ ઉપરાંત પ્રયોગ-વિભાગમાં બે પ્રાયોગિક કાવ્યકૃતિઓ પણ છે. આ પ્રયોગના પ્રયોજન અને એના મુખ્ય તત્ત્વોની થોડી વિગતે વાત પ્રયોગ-વિભાગની શરૂઆતમાં કરી છે.

ત્યાર પછીના આસ્વાદ-વિભાગમાં ગઝલ-વિભાગમાંથી ચૂંટેલી ૧૭ ગઝલોના, જુદા જુદા સર્જકમિત્રો દ્વારા થયેલ આસ્વાદ સમાવાયા છે. આમાંના કેટલાક આસ્વાદ અગાઉ સામયિકોમાં તેમ જ આસ્વાદના પુસ્તકોમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે, તો કેટલાંક આસ્વાદ આ સંગ્રહના નિમિત્તે સર્જકમિત્રોએ મારી વિનંતીને માન આપીને કર્યા છે. આ બધાં જ સર્જકમિત્રોનો હું ઋણી છું. આ આસ્વાદોમાં ક્યાંક ક્યાંક સર્જકમિત્રોએ કરેલું અર્થઘટન મને અભિપ્રેત અર્થથી જુદું હોય એવું બન્યું છે, અને મેં એ અહીં જેમનું તેમ રહેવા દીધું છે. આમ પણ કાવ્યમાં એકાધિક અર્થઘટન અપેક્ષિત અને સ્વીકાર્ય જ નહીં, આવકાર્ય પણ છે.

કાવ્ય, ચિત્ર, શિલ્પ, સંગીત, નૃત્ય અને તમામ અન્ય કલાઓ કોઈ સમાન તત્ત્વને તાંતણે પરોવાયેલી છે એવી મારી માન્યતા છે. આ માન્યતા મારા સર્જનમાં ક્યાંક ક્યાંક ડોકાતી રહે છે, એમ સુજ્ઞ ભાવકને જણાઈ આવશે. એ વિષે વધુ વિગતે વાત કરવી આવશ્યક લાગી, માટે મારો આ વિષયને આવરી લેતો એક લેખ ‘સમય, સૌંદર્ય અને કલા' પરિશિષ્ટમાં મૂક્યો છે. આ લેખ પ્રથમ ૧૯૯૯માં સમકાલીન દૈનિકમાં પ્રગટ થયો હતો. અહીં એની સંવર્ધિત આવૃત્તિ મૂકી છે.

એકંદરે, સામાન્ય ભાવકથી માંડીને સમીક્ષક કે કલાકાર કે કલારસિક, દરેકને આ સંગ્રહના કોઈ ને કોઈ વિભાગમાં રસ પડશે એવી મારી ધારણા છે.

ગઝલ કે અન્ય કોઈ પણ કાવ્યપ્રકારને એનું પોતાનું બંધારણ અને શિસ્ત હોય છે, પણ માત્ર એટલું જ જાણી લેવાથી એ કાવ્યપ્રકાર આત્મસાત થતો નથી. યોગ્ય કર્ણસંસ્કાર અને અવિરત અભ્યાસથી સારા-નરસાનો કાવ્ય-વિવેક પ્રગટે છે, અને ત્યાર પછી કાળક્રમે એ કાવ્યપ્રકારનું અંત:તત્ત્વ કદાચ હાથવગું થાય તો થાય.

મારા ઉપર આવાં સંસ્કાર કરવામાં અને મારા કાવ્યવિવેકના ઘડતરમાં, વડોદરાની પ્રેમાનંદ સાહિત્ય સભા ખાતે મળતી બુધસભાના સર્જકમિત્રોનું મહત્ત્વનું યોગદાન છે. આ સિવાય, મારા મુંબઈના વસવાટ દરમિયાન, મુંબઈના સર્જકમિત્રો અને ઘણા અન્ય સર્જકો પાસેથી હું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણું મેળવતો રહ્યો અને એ રીતે મારી ગઝલ સમૃદ્ધ થતી ગઈ. આ તમામ સર્જકમિત્રોનો હું ઋણી છું.

આ સંગ્રહની ઘણી રચનાઓ વિવિધ સામયિકો અને સંપાદનોમાં પૂર્વપ્રકાશિત થઈ ચૂકી છે. એ તમામ સામયિકો, સંપાદકો તેમજ આ સંગ્રહ પ્રકાશિત કરવા બદલ નવરત્ન એન્ટરપ્રાઈઝનો પણ હું આભારી છું.

ટાઇટલ ડિઝાઈન માટે મિત્ર સંજય વૈદ્યનો આભાર માનું તો એને ન જ ગમે, પણ એની નોંધ તો અહીં લેવી જ રહી. આ પુસ્તકનું પ્રુફ જોઈ આપનારા મિત્રો ડૉ. વિવેક ટેલર, મકરંદ અને ડૉ. રાજેન્દ્ર મહેતાની ખંતને પણ સલામ કરું છું.

આટલી આ થોડી વાત, પાર્શ્વભૂમિ રૂપે.
સ્વાતંત્ર્યદિન
- વિવેક કાણે ‘સહજ’
૧૫મી ઑગસ્ટ, ૨૦૦૯ પૂણે


0 comments


Leave comment