4 - થોડી શાસ્ત્રીય વાત - માન્યતાઓ અને નીતિ વિષે / કઠપૂતળી / વિવેક કાણે ‘સહજ’


જાહેર મર્યાદિત (Public Limited) કંપનીઓના વાર્ષિક અહેવાલમાં, સરવૈયાની સાથે સાથે હિસાબ-કિતાબનું નીતિપત્રક (Schedule of Accounting Policies) પણ પ્રગટ કરવામાં આવે છે. કારોબારના વહીવટકર્તાઓ પાસેથી જો આવી પારદર્શકતા અપેક્ષિત હોય, તો એવી જ અપેક્ષા એક સર્જક પાસેથી પણ રાખવી અસ્થાને નથી.

આવા વિચારથી પ્રેરાઈને, ગઝલ વિષેના કેટલાક શાસ્ત્રીય (Technical) મુદ્દાઓ, એ વિષેની મારી માન્યતાઓ, નીતિઓ વગેરે સ્પષ્ટ કરવાનું અહીં ધાર્યું છે.

વિન્સેન્ટ વાં ગૉ (Vincent van Gogh)એ ચીતરેલા આકાશમાં ઊડીને આંખે વળગતા પીંછીના લસરકા (Brush Strokes) કે કિશોરી આમોણકરની ખયાલગાયકીમાંની વિશિષ્ટ હરકતો, કે પંડિત સુરેશ તળવલકરના તબલાના કોઈ કાયદાની લાક્ષણિક લાયકારી, કે જ્યોત્સના ભટ્ટે ચાકડા ઉપર ઘડેલા માટીના ઘડા પર જાણી જોઈને રહેવા દીધેલાં હસ્તાંકનો (Hand-Marks), આ બધા પાછળ કોઈ સમાન ઉદેશ ખરો?

વૈયક્તિકતા (Individuality) એ કોઈ પણ કલાકૃતિનું મુખ્ય લક્ષણ છે. કલાકૃતિ અને યાંત્રિક રીતે ઉત્પાદિત વસ્તુમાં આ જ તો મુખ્ય ભેદ છે.

‘રાગ મારવા, ઉસ્તાદ અમીરખાં જેવો કોઈએ ગાયો નથી’ કે ‘કોઈ એક ગઝલકારે અમુક છંદ બહુ ઉત્તમ રીતે ખેડ્યો છે' – એવાં વિધાનો પણ આપણા સાંભળવામાં આવે છે. આવાં વિધાનોનો કોઈ શાસ્ત્રીય આધાર ખરો?

ગઝલમાં વૈયક્તિકતા અનેક રીતે આવી શકે – રવાની એટલે કે પ્રવાહિતા, વાત કહેવાની લાક્ષણિક ઢબ, શબ્દ-વિવેક, ભાષાકર્મ વગેરે. પરંતુ મારે અહીં જે વાત કરવી છે એ ગઝલના છંદોના ખેડાણ અંગે.

બે ગઝલકારો, એક જ છંદમાં બે સ્વતંત્ર ગઝલો રચે, એ બંને ગઝલો, છૂટછાટના સ્વીકાર્ય ધારાધોરણ પ્રમાણે સો ટકા છંદમાં અને એક જ છંદમાં હોય તો પણ લેવાયેલી છૂટછાટોના પ્રકાર, એમના પ્રમાણ અને એની ભાત (Pattern)ની દૃષ્ટિએ એ બંને ગઝલો જુદી પડે છે. અહીં જ વયક્તિક્તાને અવકાશ મળે છે, અને બે ગઝલકારોએ એ છંદ જુદી જુદી રીતે ખેડ્યો એમ આપણે કહી શકીએ છીએ.

ગુજરાતીમાં ખૂબ ઓછા ગઝલકારો દ્વારા ખેડાયેલા એક વિશિષ્ટ છંદમાં, ઉત્તમ ખેડાણનાં થોડાં ઊદાહરણો આપણે જોઈએ, જેથી મારી વાત વધુ સ્પષ્ટ થાય.

છંદવિધાન :
લગાલગા લલગાગા લગાલગા ગાગા,
અથવા
લગાલગા લલગાગા લગાલગા લલગા

ઉત્તમ ખેડાણનાં ઉદાહરણો :
ઘણાં દિવસ પછી બારીએ કાગડો આવ્યો
ને કહી ગયો કે હવે કોઈ આવનાર નથી.
– સૈફ પાલનપુરી
કઈ નજરથી પડે તડ, ક્યા શબદથી તિરાડ
ફૂટી યે જાઉં અને જાણ પણ ન થાય લગાર
– હેમન્ત ધોરડા
મને ન શોધજો કોઈ, હવે હું ક્યાંય નથી
અને જુઓ, તો તમારી જ આસપાસમાં છું.
– આદિલ મન્સૂરી
વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે
– આદિલ મન્સૂરી
ન ભોમિયા, ન તો નક્શા લઈને રખડું છું
લપેટી પગમાં હું રસ્તા લઈને રખડું છું.
– રઈશ મનીઆર
કોઈનું આવવું, નહીં આવવું, જવું, ન જવું
અમસ્તો આંખમાં ઉઘાડવાસ ચાલે છે
– જવાહર બક્ષી
સુગંધ શ્વાસને દ્વારે અડે, ને કળ ઉઘડે
અમારા સ્પર્શમહલમાં સહસ્ત્રદળ ઉઘડે
– જવાહર બક્ષી

ઉત્તમ ખેડાણનાં પ્રમુખ લક્ષણો :
ઉપરના ઉદાહરણોને આધારે, ઉત્તમ ખેડાણના કેટલાંક પ્રમુખ લક્ષણો નીચે મુજબ તારવી શકાય.
૧. અધોરેખિત (Underline) કરેલાં ઉચ્ચારો, દેખીતી રીતે કે જોડણી પ્રમાણે ગુરુ લાગતાં હોવા છતાં, લઘુ તરીકે પ્રયોજાયા છે. પરંતુ, આ તમામ જગ્યાએ લઘુ ઉચ્ચાર કરવાથી શબ્દના સૌંદર્યનો હ્રાસ થતો નથી, કે છંદોલયમાં વિક્ષેપ પડતો નથી.

૨. બેવડા અધોરેખન (Double Underline)થી દર્શાવેલા, ખરેખર એક ગુરુથી મોટા લાગતા ઉચ્ચારો એક ગુરુ તરીકે ઉપયોગમાં લેવાયા છે. અહીં પણ શબ્દનું સૌંદર્ય જોખમાતું નથી, કે લયમાં પણ વ્યત્યય ઊભો થતો નથી.

૩. આમ, મુદ્દા ૧ અને ૨માં વર્ણવ્યા પ્રમાણે બધી જ છૂટછાટો વિવેકપૂર્ણ છે. સંખ્યાની દૃષ્ટિએ પણ આવી છૂટછાટો એક પંક્તિમાં ત્રણ કે ચારથી વધારે નથી.

૪. મોટાભાગની છૂટછાટો એકબીજાથી અંતર જાળવીને લેવામાં આવી છે. જ્યાં એ એક પછી એક લગોલગ (in immediate succession) છે ત્યાં એ બેથી વધારે નથી. આથી પંક્તિનું સંતુલન જળવાઈ રહે છે.

૫. જ્યાં બે લઘુ સાથે આવે છે ત્યાં મોટેભાગે બેમાંથી એકાદ (કે ક્યારેક બંને) લઘુ છૂટછાટવાળો છે. માટે, એમનો ઉચ્ચાર બે સ્વતંત્ર લઘુ તરીકે જ કરવો એમ પ્રસ્થાપિત થાય છે અને આ છંદનું સૌંદર્ય નિખરી આવે છે.

૬. જ્યાં આ બંને લઘુ શુદ્ધ છે (એટલે કે એમાંનો એક પણ છૂટછાટવાળો નથી) ત્યાં પહેલો લઘુ શબ્દના અંતે આવે છે અને બીજા લઘુથી નવો શબ્દ શરૂ થાય છે. આ બંને લઘુ વચ્ચે સહેલાઈથી વિરામ લઈ શકાય છે, અને એમને ભેગાં કરીને એક ગુરુ ઉચ્ચાર કરવાનું મુશ્કેલ બને છે. આ વ્યવસ્થા સંસ્કૃત છંદોમાંની ‘યતિ'ની વ્યવસ્થાને મળતી આવે છે. આમ અહીં પણ બે સ્વતંત્ર લઘુ ઉચ્ચારો જળવાઈ રહે છે અને છંદનું સૌંદર્ય જળવાય છે.
આમ, ગઝલના છંદોમાં લેવાયેલી છૂટછાટોના પ્રકાર, એમનું પ્રમાણ અને એની ભાત (Pattern), ગઝલકારની વૈયક્તિક્તાને અવકાશ આપે છે, અને એના કલા-વિવેકને ઉપસાવે છે.

મેં ગઝલના છંદોને આવી કોઈ સભાનતા વિના સાહજિકતાથી ખેડ્યા છે. મારી ગઝલોમાંથી પસાર થતાં, જો ક્યાંક ક્યાંક આવો કલા-વિવેક દેખાય તો એને માત્ર સુખદ યોગાનુયોગ ગણવો.
* * *
બીજી મહત્ત્વની વાત કાફિયા વિષે. ગુજરાતી ગઝલમાં કાફિયા વિષે વિદ્વાનો દ્વારા થોડાં પુસ્તકોમાં છૂટાછવાયા લખાણો મળે છે ખરા, પણ એ વિષે સર્વસંમતિ કે એકસૂત્રતા જણાતી નથી. એકંદરે ઘણાખરા ગુજરાતી ગઝલકારો કાફિયા અંગે કાં તો ઊર્દૂના કાફિયાશાસ્ત્રને પ્રમાણ માનીને ચાલે છે (જે ગુજરાતી માટે બંધબેસતું નથી), અથવા પોતાની સૂઝ પ્રમાણે ચાલે છે. હું પણ એમાંનો જ એક છું, પરંતુ કાફિયા વિષે મેં જે વધારાની શરતો પાળવાનો પ્રયત્ન કર્યો છે એ આ મુજબ છે :
૧. કોઈ ગઝલના બધાં જ કાફિયા માત્ર ક્રિયાપદોનાં હોય એ ટાળવું.
૨. કાફિયામાં અનુસ્વારની છૂટછાટ ન લેવી. ઉદાહરણ તરીકે મારી આ ગઝલ જુઓ.
અમે નીકળીએ જો નભમાં, તો સાત ઘોડા લઈ
અને વિહરીએ ધરા પર, ફકીરી દોહા લઈ

ભરી ગયો, બધી રગરગમાં કસ્તૂરીની મહેક
એ શખ્સ આવ્યો'તો, એકાદ મુઠ્ઠી ચોખા લઈ

થયો જો દૂર નજરથી, તો સાદ પાડું છું,
હતો સમક્ષ તો બેસી રહ્યો અબોલા લઈ

‘સહજ’ જે પંક્તિઓ હું ગણગણ્યો સ્વગત મનમાં
સમીર ગાતો રહ્યો રાતભર હિલોળા લઈ

અહીં ઓછાં, થોડાં વગેરે (જેમાં અનુસ્વાર છે પણ એનો ઉચ્ચાર નબળો કે અસ્પષ્ટ છે) જેવાં કાફિયા ઉપયોગમાં લઈને હજી બે-પાંચ શેર ઉમેરી શકાયા હોત. પરંતુ એમ ન કરતાં, માત્ર ચાર જ શેર રાખવાનું મેં યોગ્ય ગણ્યું.
* * *
ગુજરાતી ભાષામાં ‘લય' શબ્દના અનેક અર્થો છે. સંહાર, ધ્વંસ, વિનાશ વગેરે ઉપરાંત તાલ અથવા છંદની નિયત ગતિના અર્થમાં પણ ‘લય' શબ્દ વપરાય છે.

ગુજરાતીમાં ‘લય’ શબ્દ પુલ્લિંગી છે, અને ઉપર દર્શાવેલા કોઈ પણ અર્થમાં એ યોજાયો હોય તો પણ એ પુલ્લિંગી શબ્દ તરીકે જ યોજાય છે.

હિન્દી ભાષામાં પણ ‘લય' શબ્દ છે, પરંતુ હિન્દીમાં જ્યારે એ સંગીતની પરિભાષામાં કે છંદની ગતિના અર્થમાં વપરાય ત્યારે એ સ્ત્રીલિંગની શબ્દ તરીકે વપરાય છે. આમ તો જે તે સ્થાને, સંદર્ભ પ્રમાણે શબ્દનો અર્થ સમજી શકાતો હોય છે, પણ આવો લિંગભેદ કરવાથી અર્થભેદ વધુ સ્પષ્ટ બને છે. માટે હિન્દીની આ વ્યવસ્થા ‘લય’ શબ્દ માટે ગુજરાતીમાં અપનાવવામાં આવે તો એ આવકાર્ય છે, એમ મને લાગે છે.

મારી આ માન્યતાને અનુસરીને મેં જ્યાં જ્યાં ‘લય’ શબ્દ સંગીતની કે છંદની નિયત ગતિના અર્થમાં યોજ્યો છે, ત્યાં એને સ્ત્રીલિંગી શબ્દ તરીકે યોજ્યો છે. ઉદાહરણ તરીકે :
અસ્તિત્વની લય પામ, ‘સહજ’ સમને પકડ તું
ઝુમરા છે, કરવા છે, કે ઝપતાલ, જવા દે

નોંધ : અહીં ‘અસ્તિત્ત્વનો લય પામ’ એમ છંદને ક્ષતિ પહોંચાડ્યા વિના બહુ આસાનીથી કહી શકાયું હોત, પણ ઉપર જણાવેલા કારણોસર અહીં ‘લય'નો સ્ત્રીલિંગી પ્રયોગ સહેતુક છે.
* * *
ગઝલની પરંપરામાં ક્યારેક એવું જોવામાં આવે છે કે કોઈ પંક્તિનું છાંદસ પઠન કરતી વખતે ભાષાકીય રીતે વિકૃત હોય એવાં સ્વર-સંયોગ કરવા પડે છે, અન્યથા છંદોલયમાં વિક્ષેપ પડે છે.
ઉદાહરણ તરીકે આ ઉર્દુ શેર જુઓ.
તુમ આએ હો, ન શબ-એ-ઈન્તઝાર ગુઝરી હૈ
તલાશમેં હૈ સહર, બારબાર ગુઝરી છે
- ફૈઝ અહમદ ‘ફૈઝ’
અહીં પ્રથમ મિસરામાં ‘તુમ આએ’ની જગ્યાએ ‘તુમાએ' એવો વિકૃત ઉચ્ચાર કરવો પડે છે. ગુજરાતીમાં પણ આવાં સંખ્યાબંધ ઉદાહરણો મળે છે. અહીં એક જોઈએ :
સિતારા સાંભળે છે શાંતચિત્તે રાતભર ‘ઘાયલ'
ઉદાસ આંખોમહીં એવી કહાની લઈને આવ્યો છું
અહીં બીજા મિસરામાં ‘ઉદાસાંખો' એવો વિકૃત ઉચ્ચાર, છંદ જાળવવા માટે કરવો પડે છે.

ભાષાકીય કે વ્યાકરણની વ્યવસ્થાની બહાર હોય એવી આ પ્રકારની હરકતો, માત્ર નામી-અનામી સર્જકો દ્વારા વારંવાર પ્રયોગથી રૂઢિગત થાય છે, પરંપરાનો ભાગ બને છે અને અંતે સ્વીકાર્ય ગણાવા લાગે છે.
આવા વિકૃત સ્વર-સંયોગ કાવ્યવિવેકની દૃષ્ટિએ (ખાસ કરીને ગુજરાતીમાં) શિથિલ છે અને સ્વીકાર્ય ગણાતા હોય તો પણ આવકાર્ય તો નથી જ. આમ પણ, ગુજરાતીમાં ઉર્દુથી પરિચિત હોય એવાં ગઝલકારોની ગઝલોને બાદ કરતાં, અન્ય ગઝલો કે ગઝલેતર સાહિત્યમાં, આવાં વિકૃત સ્વર-સંયોગ જોવા મળતા નથી. મારી ગઝલની વાત કરું તો એકાદ બે જગ્યાએ એવું બન્યું કે સાહજિક રીતે સૂઝેલા મિસરામાં આવો સ્વર-સંયોગ હતો, જે મેં પાછળથી ઈરાદાપૂર્વક નિવાર્યો. ઉદાહરણ તરીકે મારો એક મૂળ મત્લા આમ હતો :
મનના સાવ અંગત ખૂણે સાચવ મને
જેમ કૃષ્ણાને વસે માધવ મને
અહીં ‘સાવંગત’ એવો વિકૃત ઉચ્ચાર નિવારવા આમ કર્યું :
મનના બહુ અંગત ખૂણે સાચવ મને
* * *
અને અંતે થોડું મક્તા વિષે. મક્તામાં તખલ્લુસના અર્થને પણ ઉપયોગમાં લેવાય અને એ શેરમાં કહેવાયેલી વાતમાં ઓગળી જાય, તો મક્તા કૃત્રિમ ન લાગે અને વધારે હૃદ્ય બને. મારા ઘણા મક્તામાં સાહજિક રીતે જ આમ બન્યું છે, તો ક્યાંક એ શક્ય ન બન્યું હોય એમ પણ થયું છે.

આટલી થોડી શાસ્ત્રીય (Technical) વાત, મારા સર્જનના અંતરંગમાં પ્રવેશવાનું અનુકૂલન કરી આપશે એમ હું માનું છું. અસ્તુ.
- વિવેક કાણે 'સહજ'


0 comments


Leave comment