1.4 - હું દૃશ્યમાન છું / વિવેક કાણે ‘સહજ’
દેખાય તું ન ક્યાંય, ને હું દશ્યમાન છું
તું મૌનની સ્વરાવલિ, હું વૃંદગાન છું
જોટો ન મારો ક્યાંય, ને તું પણ અનન્ય છે
તારા સમાન તું, ને હું મારા સમાન છું
ઝુમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખયાલ તું
હું મારવામાં બદ્ધ, કોઈ બોલતાન છું
તારો જ કૃષ્ણ રંગ છે, એવું ન માન તું
વાદળ સમાન હુંય સહેજ ભીનેવાન છું
તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં હોય તો
હું પણ એ બે કણોની ‘સહજ’ દરમિયાન છું
0 comments
Leave comment