1.5 - હર શ્વાસ શ્વાસ છે / વિવેક કાણે ‘સહજ’
ભીની મહેકથી તર હવે હર શ્વાસ-શ્વાસ છે
તારો જરૂર વાસ, અહીં આસપાસ છે
ભાથું ખૂટ્યું નથી ને છતાં એમ થાય છે
તારી સમીપ છું, હવે થોડો પ્રવાસ છે
વરસી પડ્યું છે કોઈ અહીં મન મૂકી જરૂર
ભીતર બહાર જ્યાં જ્યાં જુઓ ઘાસ-ઘાસ છે
પોઢી જવું છે માથું મૂકી તારી છાતીએ
જાણે જગત બધું હવે મારો ગરાસ છે
દીવો કરીને અંતરે, ચાલ્યો ગયો ‘સહજ’
ને હું વિચારું આટલો શાનો ઉજાસ છે!
0 comments
Leave comment