1.8 - આભાસ થઈને રહી જવું / વિવેક કાણે ‘સહજ’
જોઉં છું અસ્તિત્ત્વનું આભાસ થઈને રહી જવું
જિંદગીને જાણે શ્વાસોચ્છવાસ થઈને રહી જવું
આવડે, ખીંટી વગરની ભીંતે ટીંગાવું, રદીફ ?
કાફિયા, તમનેય ફાવે પ્રાસ થઈને રહી જવું?
સૂર પણ નિષ્પ્રાણ, ને લયચક્ર ચાલે યંત્રવત્
નૃત્યનું પણ વ્યર્થ પદ-વિન્યાસ થઈને રહી જવું
જાત સાથેના બધાં સંનિષ્ઠ મતભેદોનું પણ
જોઉં છું ક્રમવાર, એક કંકાસ થઈને રહી જવું
સાંજનો તદ્દન નવો એક અર્થ પામ્યો હું ‘સહજ’
સૂર્ય જેવા સૂર્યનું, અજવાસ થઈને રહી જવું.
0 comments
Leave comment