1.15 - હયાત જોઈ છે / વિવેક કાણે ‘સહજ’


દર્દથી પર નિજાત જોઈ છે
જીત જોઈ છે, માત જોઈ છે

બાણશૈયા’ય ક્યાં નવી મારે ?
ફૂલની પણ બિછાત જોઈ છે

એમ આવ્યો છું યમના દરવાજે
જાણે આખી હયાત જોઈ છે

તારા દરબારમાં’ય મેં ઈશ્વર
દુન્યવી રીતભાત જોઈ છે

તું હવાલો ન આપ માણસનો
મેં એ માણસની જાત જોઈ છે

મેં ‘સહજ’ની ગઝલમાં પહેલેથી
કંઈ અનેરી જ વાત જોઈ છે


0 comments


Leave comment