1.16 - કોઈ નથી / વિવેક કાણે ‘સહજ’
હાટ, મંડી, બજાર, કોઈ નથી
સીધા સોદા, કરાર કોઈ નથી
પ્રેમ પોતે જ પ્રેમનું વળતર
વ્યાજ, આવક, પગાર, કોઈ નથી
કડકડાવો, ને રેડો જીવતર પર
પ્રેમ જેવો વઘાર કોઈ નથી
આપમેળે સુવાસ પ્રસરે છે
પ્રેમ છે બસ ! પ્રચાર કોઈ નથી
એના ઉપર મર્યો છું જીવનભર
બીજો જીવનનો સાર, કોઈ નથી
આમ પીડાઓ બહુ છે પ્રેમ સિવાય
આટલી પારાવાર કોઈ નથી
પાંજરું પણ, ને પાછું ખુલ્લું પણ
કેદ સૌ છે, ફરાર કોઈ નથી
પાર જાવું, તો પાર જાવું બસ !
મનમાં બીજો વિચાર કોઈ નથી
હું ન રહું હું, તમે, તમે ન રહો
અહીંથી પાછું જનાર કોઈ નથી
સમ તો ખાતાંય ખાઈ લઈએ ‘સહજ’
કોના ખાવા ? ધરાર કોઈ નથી
0 comments
Leave comment